સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2026માં એક એવી જીત નોંધાવી જેને માત્ર પોઈન્ટ ટેબલ જ નહીં પરંતુ નવો ઈતિહાસ પણ રચ્યો. પંજાબ કિંગ્સ સામે શાનદાર પ્રદર્શન સાથે SRHએ હૈદરાબાદમાં તેમના હોમ ગ્રાઉન્ડ પર એવી જીતનો સિલસિલો સ્થાપિત કર્યો, જેને ચેન્નાઈ સુપર કિંગ્સનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો.
6 મેના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2026 ની 49મી મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 235 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. હેનરિક ક્લાસેન અને ઈશાન કિશન ટીમની જીતના હીરો રહ્યા. બંનેએ પંજાબની ખરાબ ફિલ્ડિંગનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને શાનદાર અડધી સદી ફટકારી.
હેનરિક ક્લાસેન અને ઈશાન કિશને મચાવી ધૂમ
હેનરિક ક્લાસેનને શરૂઆતમાં જ રાહત મળી અને પછી તેને 43 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 69 રનની ધમાકેદાર ઈનિંગ રમી. ઈશાન કિશને પણ 32 બોલમાં 55 રન બનાવીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. જવાબમાં પંજાબ કિંગ્સ ફક્ત 202 રન જ બનાવી શક્યું અને 33 રનથી મેચ હારી ગયું.
આ હારને કારણે પંજાબને મોટું નુકસાન થયું અને તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકી ગયું. આ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદ, શાનદાર વિજય સાથે પોઈન્ટ ટેબલમાં ટોપનું સ્થાન મેળવી શક્યું.
હૈદરાબાદમાં બન્યો નવો રેકોર્ડ
આ મોટી જીત સાથે હૈદરાબાદે એક ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો છે. હકીકતમાં સનરાઈઝર્સ હૈદરાબાદે હૈદરાબાદમાં તેમના હોમ ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામે સતત 9મી જીત નોંધાવી છે. IPL ઈતિહાસમાં એક જ સ્થળે એક જ પ્રતિસ્પર્ધી સામે ટીમ દ્વારા સૌથી વધુ સતત જીતનો આ રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે હતો, જેને ચેન્નાઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે સતત 8 મેચ જીતી હતી.
હવે SRH એ 9 જીત સાથે આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. હૈદરાબાદમાં પંજાબ સામે કુલ 11 મેચમાંથી SRHની આ 10મી જીત છે. આ રીતે પેટ કમિન્સની ટીમ IPLમાં એક જ સ્થળે કોઈપણ ટીમ સામે સૌથી વધુ જીત નોંધાવનારી બીજી ટીમ બની ગઈ છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?