વિમેન્સ ક્રિકેટના સૌથી મોટા મંચ પર એક નવી ટીમ ઈતિહાસ રચવા માટે તૈયાર છે. પ્રથમ વખત ICC વિમેન્સ T20 વર્લ્ડકપમાં પ્રવેશ કરવા જઈ રહેલી નેધરલેન્ડની ટીમે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.
અગાઉ ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ભારતની ટીમોની જાહેરાત કરવામાં આવી છે. ICC મહિલા T20 વર્લ્ડકપમાં નેધરલેન્ડની ટીમને ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સાથે ગ્રુપ A માં રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે ટુર્નામેન્ટના તેની બીજી મેચમાં આ ટીમ ભારત જેવા મજબૂત પ્રતિસ્પર્ધીનો સામનો કરશે, જેના કારણે આ ડેબ્યૂનો ઉત્સાહ વધુ વધી ગયો છે.
12 જૂનથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થનારી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે બાબેટ ડી લીડેને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. નેધરલેન્ડ્સે ICC મહિલા T20 વર્લ્ડકપ ગ્લોબલ ક્વોલિફાયર્સના સુપર સિક્સ તબક્કામાં ત્રણેય મેચ જીતીને ટુર્નામેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈને ઈતિહાસ રચ્યો હતો.
કેપ્ટને ટીમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
કેપ્ટન બાબેટ ડી લીડે આ ઐતિહાસિક પ્રસંગ માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો અને ટીમના પ્રદર્શન પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે "અમે ICC T20 વર્લ્ડકપમાં અમારા પ્રથમ દેખાવ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ વિશ્વની બેસ્ટ ટીમો સામે સ્પર્ધા કરવાની અને નેધરલેન્ડ્સમાં અમારી પાસે રહેલી પ્રતિભાને સૌથી મોટા મંચ પર દર્શાવવાની એક શ્રેષ્ઠ તક હશે. T20 વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં ઘરની નજીક રમાઈ રહ્યો હોવાથી અમને મોટી સંખ્યામાં ઓરેન્જ વસ્ત્રો પહેરેલા દર્શકો અને જબરદસ્ત સમર્થનની અપેક્ષા છે."
ટીમ T20 WCમાં ઈતિહાસ રચવા માટે નીકળશે
તેણે આ સફરને ખાસ ગણાવતા કહ્યું કે આ જીવનભર યાદ રાખવા જેવો અનુભવ રહેશે. ફક્ત અમારા માટે એક ટીમ તરીકે જ નહીં, પરંતુ અમારા પરિવારો, મિત્રો અને ડચ મહિલા ક્રિકેટને તેમના દિલમાં રાખનારા બધા માટે પણ. નેધરલેન્ડ્સ માટે આ ટુર્નામેન્ટ ફક્ત એક સ્પર્ધા નથી, પરંતુ પોતાને સાબિત કરવાની એક સુવર્ણ તક છે. ક્રિકેટ ફેન્સ હવે એ જોવા માટે રાહ જોશે કે શું આ નવી ટીમ તેના ડેબ્યૂ વર્લ્ડકપમાં મોટો અપસેટ લાવી શકે છે.
ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે નેધરલેન્ડની ટીમ
બાબેટ ડી લીડે (કેપ્ટન), કેરોલિન ડી લેંગ, ફ્રેડરિક ઓવરડિજ્ક, હન્ના લેન્ડહીર, હીથર સીઝર્સ, આઈરિસ જ્વિલિંગ, ઈસાબેલ વાન ડેર વોનિંગ, લારા લીમહુઈસ, માયરથે વાન ડેર રાડ, ફેબે મોલ્કેનબોઅર, રોબિન રિજકે, રોજાલી લોરેન્સ, સાન્યા ખુરાના, સિલ્વર સીઝર્સ, સ્ટેર્રે કાલિસ.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?